વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કપરાડા ગામે નવનિર્મિત “આયુર્વેદ આયુષ્માન આરોગ્ય મંદિર”નું લોકાર્પણ પૂર્વ મંત્રીશ્રી અને કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ એચ. ચૌધરીના વરદહસ્તે વિધિવત્ સંપન્ન થયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.
લોકાર્પણ પ્રસંગે જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ડોક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ છે, પરંતુ ડોક્ટરની સકારાત્મક વૃત્તિ અને સેવાભાવ દર્દીના આરોગ્ય સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે આજના યુગમાં લોકોની બગડતી જીવનશૈલી અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે મોડી રાત્રે સુધી મોબાઇલનો ઉપયોગ, મોડું ઊઠવું, અનિયમિત આહાર અને વ્યાયામનો અભાવ અનેક ગંભીર રોગોને આમંત્રણ આપે છે. સ્વસ્થ જીવન માટે સમયસર ઊંઘ, સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ અનિવાર્ય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર આરોગ્ય ક્ષેત્રે વિશાળ બજેટ ફાળવી રહી છે અને ખાસ કરીને આયુર્વેદિક પદ્ધતિને પ્રોત્સાહન આપી રહી છે. પરંપરાગત આહાર જેમ કે નાગલી, વરઈ અને દેશી દાળ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આયુર્વેદિક ઉપચાર ધીમો લાગતો હોવા છતાં તે શરીરને મૂળભૂત રીતે મજબૂત બનાવે છે અને લાંબા ગાળે સકારાત્મક પરિણામ આપે છે.
આરોગ્ય અધિકારી ડૉ. ઉર્વીબેન પટેલે આયુર્વેદિક દવાઓનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે આયુર્વેદ માત્ર સારવાર પદ્ધતિ જ નહીં, પરંતુ જીવન જીવવાની એક સમગ્ર પદ્ધતિ છે, જે વ્યક્તિને સ્વસ્થ અને સંતુલિત જીવન તરફ દોરી જાય છે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન ગાયકવાડ, તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક સરપંચ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. સાથે સાથે ડૉ. મનહર ચૌધરી, ડૉ. ધર્મિસ્તા પટેલ, ડૉ. શ્રુજલ, ડૉ. હેમિલ, ડૉ. ભાવિન, ડૉ. તેજસ, ડૉ. અર્ચના, ડૉ. દિવ્યા, ડૉ. સેજલ, ડૉ. પ્રણતિક્ષા, ડૉ. કેતન વ્યાસ, ડૉ. જીતુભાઈ, ડૉ. નિકુંજભાઈ, તેમજ આરોગ્ય વિભાગના સેવકો અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવું આયુર્વેદ આયુષ્માન આરોગ્ય મંદિર ગ્રામજનોને તેમના ગામની નજીક જ ગુણવત્તાયુક્ત આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ કરાવશે. સાથે જ આ કેન્દ્ર આરોગ્ય જાગૃતિ ફેલાવવામાં અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
















