ગોઈમા ગામના જંગલમાં ભયંકર આગ: વન વિભાગની બેદરકારીથી મોટી દુર્ઘટના ટળી !

On: May 4, 2025 4:42 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા ગોઈમા ગામના જંગલ વિસ્તારમાં 3 મેના રોજ બપોરે લગભગ 3:00 કલાકે ભારે આગ લાગી હતી. આ આગ ફોરેસ્ટ વિભાગના અધિકાર હેઠળના જંગલ વિસ્તારમાં ફાટી નીકળી હતી. આગના શરુઆતિક તબક્કામાં જ ગોઈમા વનખાતા અંતર્ગત રખેવાળ અર્જુનભાઈએ ઘટનાની જાણ ગોઈમા બીટગાર્ડ રેણુકાબેનને કરી હતી.

અફસોસની વાત એ રહી કે આગના જાણ કરતા ત્રણ કલાક પછી પણ ફોરેસ્ટ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ બાબતની ગંભીરતા સમજતા ગોઈમા ગામના સરપંચ પતિ મિતેશભાઈ રમણલાલ પટેલે બીટ ગાર્ડ રેણુકાબેનને ફરીથી ફોન કર્યો અને આગની ભયંકરતા અંગે જણાવ્યું. તેઓએ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને ફાયર બ્રિગેડને બોલાવવાની માંગ પણ કરી. તેમ છતાં, બીટ ગાર્ડ રેણુકાબેન દ્વારા ગંભીરતા દાખવવામાં ન આવી અને તેમને ફોન પર જણાવવામાં આવ્યું કે “તમે ગામના લોકોજ આગ હોલવી દો”.

આ બેદરકારીને કારણે આગ Village Health Center (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ના કંપાઉન્ડ સુધી પહોંચી ગઈ હતી. આગના કારણે કેન્દ્રમાં મૂકવામાં આવેલ મોટર અને વીજ વાઈરો સળગી ગયા હતા. તાત્કાલિક હાલતમાં ગામના ડેપ્યુટી સરપંચ મિતેશભાઈ અશોકભાઈ પટેલ, સરપંચ પતિ મિતેશભાઈ રમણલાલ પટેલ તેમજ વાઘઈ ફળીયાના યુવાનો ઘટના સ્થળે દોડી આવ્યા અને ભારે જહેમત બાદ આગને આરોગ્ય કેન્દ્ર સુધી વધારે પહોંચવાથી રોકી શક્યા હતા.

આ સમગ્ર બનાવની જાણ સરપંચ પતિ દ્વારા જિલ્લા પંચાયત સભ્ય શૈલેશકુમાર આર. પટેલને કરવામાં આવી. તેમણે તરતજ આરએફઓ મિતુલભાઈ સાથે સંપર્ક કર્યો. આ સમયે મિતુલભાઈ સુબીર ખાતે હાજર હોવાનો જણાવતા કહ્યું કે “મારે આ બનાવ વિશે કોઈ જાણ નથી”. ત્યારબાદ જી.પંચાયત સભ્ય દ્વારા ફોરેસ્ટર નિકિતાબેનને સંપર્ક કરવામાં આવ્યો. નિકિતાબેનનું નિવેદન પણ નાંખફેંક પ્રકારનું હતું. તેમણે કહ્યું કે “અમે તમામ કર્મચારીઓ ઓફિસના કામમાં વ્યસ્ત છીએ, જી.પંચાયત આરોગ્ય વિભાગે કંપાઉન્ડ બનાવ્યું હોત તો નુકસાન ન થાત”.

આ સમગ્ર ઘટનામાં ફોરેસ્ટ વિભાગની બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે ગામના લોકોએ પોતાનું જીવ જોખમમાં મૂકી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો ગામના યુવાનો અને સ્થાનિક આગેવાનો સમયસૂચક પગલા ન લીધા હોત તો આરોગ્ય કેન્દ્ર આગમાં બળી જતું અને જાનહાની પણ શક્ય બની હોત.

સંયોજન વગરની કામગીરી અને જવાબદારીના અભાવને કારણે વન વિભાગના પાંચ એકરથી વધુ વન વિસ્તારમાં આગે તબાહી મચાવી. અનેક વૃક્ષો, ઔષધીય છોડ અને જંગલ જીવસંતાનનું નુકસાન થયું છે. ગામના લોકોએ જણાવ્યું કે વન વિભાગના કર્મચારીઓનું વન સંરક્ષણ પ્રત્યે કોઈ જ લાગણી નથી, અને ઘટના સ્થળે રાત્રે 9 વાગ્યા સુધી કોઈ પણ અધિકારી હાજર ન હતો, કે જેણે આગ નિમારવા પ્રયાસ કર્યો હોય.

આ ઘટના ફક્ત એક આગની નહીં પરંતુ વહીવટી તંત્રની નિષ્ફળતાની સાક્ષી છે. વન વિભાગની ઉદાસીનતા અને તંત્રના તૂટેલા સંવાદના કારણે ગામના લોકોના જીવ પર સંકટ ઊભું થયું હતું. જો સમયસર ફોરેસ્ટ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા હોત, તો આ પ્રકારની વિકટ સ્થિતિ સર્જાત નહિ. હવે સમય આવી ગયો છે કે વન વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે, જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે એ જરૂરી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!