
કપરાડા તાલુકાની વિજ્ઞાન પ્રયોગ શાળાની ધોરણ 8 માં 8 હોશિયાર વિદ્યાર્થીઓએ “નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના (NMMS)”ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના ધોરણ 8ના આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધી દર વર્ષે ₹12,000 મળીને કુલ ₹48,000 ની નાણાકીય સહાય DBT દ્વારા આપવામાં આવે છે.

NMMS માટે વિદ્યાર્થીઓએ માનસિક ક્ષમતા કસોટી (MAT) અને અભ્યાસલક્ષી ક્ષમતા કસોટી (SAT) નામે બે પરીક્ષાઓ આપી હતી, જેમાં કુલ 180 પ્રશ્નો OMR પદ્ધતિ દ્વારા પૂછવામાં આવ્યા હતા. પસંદગી માટે વિદ્યાર્થીઓએ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% (SC/ST માટે 50%) મેળવ્યા હોવા જરૂરી હતા અને વાર્ષિક કુટુંબ આવક ₹3,50,000 થી ઓછી હોવી જોઈએ.
વિજ્ઞાન પ્રયોગ શાળાના આ વિદ્યાર્થીઓએ પોતાની શાળાનું અને કપરાડાનું ગૌરવ વધાર્યું છે. શિક્ષકો અને વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.






