News

પૂરગ્રસ્તોની સેવા સાથે સમાજસેવામાં પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ અગ્રેસર !

ધરમપુર: જરૂરિયાતમંદોની સેવા અને સમાજકલ્યાણના હેતુ સાથે પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ, ધરમપુર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ઋષિતકુમાર મસરાણી અને પૂર્વાજાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓને નિયમિત સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને દરરોજ સાંજનું ભોજન પૂરું પાડવામાં આવે છે, જેમાં દૈનિક અંદાજે 100 લોકો લાભ મેળવે છે.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમના કૌશલ્ય વિકાસ માટે ધરમપુર ખાતે નિઃશુલ્ક સિવણ તથા કોમ્પ્યુટર તાલીમ વર્ગો પણ ચલાવવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ થકી બહેનોને રોજગારલક્ષી કૌશલ્ય પ્રાપ્ત થાય અને તેઓ સ્વાવલંબી બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂરથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ દરમિયાન પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાના ધોરણે વિશાળ રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. પૂરગ્રસ્ત પરિવારોને 10,000 ફૂડ પેકેટ, 2,000 નાઈટી, 1,000 આંતરવસ્ત્રો તથા સેનેટરી પેડ્સ અને 1,000 ટૂથબ્રશ-ટૂથપેસ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓની પણ મદદરૂપ બનવા માટે ટ્રસ્ટ દ્વારા 1,000 સ્કૂલબેગ, 6,000 નોટબુક અને 2,000 વોટર બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાહત કામગીરી ઉપરાંત પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 35થી વધુ સ્વયંસેવકોએ શ્રમદાન કરી સ્વચ્છતા કામગીરીમાં સહભાગી બની સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ટ્રસ્ટની આ સેવાકીય અને માનવતાવાદી કામગીરીની નોંધ લઈ 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન આદિજાતિ વિકાસ, ખાદી-ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી નરેશભાઈ પટેલના હસ્તે પહેલ ચેરીટેબલ ટ્રસ્ટને પ્રશંસનીય કામગીરીનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ સન્માનથી ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો અને સ્વયંસેવકોમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *