ધોધડકુવાની શાળામાં તાલુકા સેવા સેતુ યોજાયો, ગ્રામજનોને ગામડે જ સરકારી સેવાઓનો લાભ
નાનાપોંઢા તાલુકાના ધોધડકુવાની પ્રાથમિક શાળામાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોની સેવાઓ અને યોજનાઓનો લાભ ગ્રામજનોને સ્થાનિક સ્તરે મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ કામગીરી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


તાલુકાની રચનાથી વહીવટી સેવાઓ નજીક આવી
ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રેશનકાર્ડમાં સુધારો, આધારકાર્ડમાં ભૂલ સુધારણા, આવકના દાખલા, વારસાઈ સહિતના નાના-મોટા સરકારી કામો માટે અગાઉ લોકોને તાલુકા કે જિલ્લા કક્ષાની કચેરી સુધી જવું પડતું હતું. નાનાપોંઢા નવા તાલુકાની રચના બાદ હવે વહીવટી સેવાઓ લોકોની નજીક આવી રહી છે. સેવા સેતુ જેવા કાર્યક્રમો થકી અરજદારોને એક જ સ્થળે વિવિધ સેવાઓ ઉપલબ્ધ થાય છે.
તેમણે સેવા સેતુનો વધુમાં વધુ લાભ ગ્રામજનો સુધી પહોંચે તે માટે ગ્રામ પંચાયતના સરપંચો, આંગણવાડી કાર્યકરો અને સ્થાનિક આગેવાનોને લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી. સોશિયલ મીડિયા સહિતના માધ્યમો દ્વારા પણ સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું.

તાલુકા પંચાયત-લાઇબ્રેરી અને કોલેજની કામગીરી
જીતુભાઈ ચૌધરીએ નાનાપોંઢા તાલુકા પંચાયત કચેરી અને લાઇબ્રેરીની કામગીરી અંગે પણ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ અને યુવાનોને વાંચન તથા શૈક્ષણિક સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે લાઇબ્રેરીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. નવી કોલેજ માટે સરકારની મંજૂરી મળી હોવાનું જણાવી વિદ્યાર્થીઓને આવવા-જવામાં મુશ્કેલી ન પડે તેવા યોગ્ય સ્થળની પસંદગી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ
જિલ્લા પંચાયત સદસ્ય મિતેશ પટેલે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા હવે ગામડાં સુધી પહોંચીને લોકોને સરકારી સેવાઓ આપવામાં આવી રહી છે. આવકના દાખલા, રેશનકાર્ડમાં સુધારા સહિતની સેવાઓ માટે લોકોને દૂર જવાની જરૂરિયાત ઘટી રહી છે. તેમણે વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, સોલાર સહિત સરકારની વિવિધ યોજનાઓનો પાત્ર લાભાર્થીઓએ લાભ લેવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું કે સરકારની યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો અને કાગળિયાં તૈયાર રાખવા તેમજ યોજનાઓ અંગે માહિતી મેળવવી જરૂરી છે. સ્થાનિક હોદ્દેદારો અને સરકારી પ્રતિનિધિઓ લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી સેવાઓ માટે આવેલી અરજીઓ અંગે સ્થળ પર કામગીરી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના વહીવટી તંત્ર દ્વારા અરજદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તલાટીઓ પણ અરજદારોની કામગીરી માટે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તથા અન્ય મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અધિકારીઓ-હોદ્દેદારોની ઉપસ્થિતિ
કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન ચૌધરી, તાલુકા પંચાયત સદસ્યો વિનોદભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ અને વૈશાલીબેન પટેલ, સરપંચો ગણેશભાઈ ગાવીત, સંગીતાબેન પટેલ, સરિતાબેન પટેલ, રાજેશ પટેલ સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા વિકાસ અધિકારી પ્રિતેશભાઈ બારીયા, નાયબ મામલતદાર ચિરાગભાઇ પટેલ, પુરવઠા નાયબ મામલતદાર દીપકભાઈ યાદવ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ કામગીરી કરી હતી. સેવા સેતુના માધ્યમથી ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.
