
પારડી તાલુકાના રોહિણા ખાતે તા. ૧ સપ્ટેમ્બરના રોજ પારડી વિભાગ ખેડૂત પંચાયત દ્વારા ઐતિહાસિક પારડી ખેડ સત્યાગ્રહની સ્મૃતિમાં 74 મો ‘કિસાન મુક્તિ દિવસ’ની ઉજવણી સાથે કિસાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ એચ. ચૌધરીની અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતો, આગેવાનો, યુવાનો, ગ્રામજનો અને વિવિધ સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેડૂત એકતા, જમીનના હક્કો, સામાજિક જાગૃતિ અને વ્યસનમુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો.


રોહિણા આશ્રમશાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઐતિહાસિક પારડી ખેડ સત્યાગ્રહ સાથે જોડાયેલા સંઘર્ષને યાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ખેડૂતોએ પોતાના હક્કો માટે કરેલી લડત અને તે સમયના સામાજિક સંઘર્ષની વિવિધ બાબતો પર વક્તાઓએ પ્રકાશ પાડ્યો હતો.

ખેડ સત્યાગ્રહ પ્રેરણાદાયી ગાથા : જીતુભાઈ ચૌધરી
કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ એચ.ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “ખેડ સત્યાગ્રહ માત્ર ભૂતકાળની ઐતિહાસિક ઘટના નથી, પરંતુ જમીન, મહેનત અને અધિકાર માટેના સંઘર્ષની પ્રેરણાદાયી ગાથા છે.” તેમણે જણાવ્યું હતું કે પારડી ખેડ સત્યાગ્રહ આપણા વિસ્તારના ખેડૂતોના સંઘર્ષ, એકતા અને હક્કોની લડતનું પ્રતીક છે.
ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દેસાઈ સહિતના આગેવાનો તથા ખેડૂતોએ પોતાના હક્કો માટે કરેલા સંઘર્ષને નવી પેઢી સુધી પહોંચાડવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, આ પ્રકારના ઐતિહાસિક સંઘર્ષો માત્ર ઇતિહાસનો વિષય નથી, પરંતુ વર્તમાન પેઢીને સંગઠન, હિંમત અને હક્કો માટે જાગૃત રહેવાની પ્રેરણા આપે છે.

હજારો એકર જમીનના સંઘર્ષની યાદ
ખેડ સત્યાગ્રહી મંગળભાઈ એલ. પટેલે પોતાના સંબોધનમાં ઐતિહાસિક સંઘર્ષની વાતો યાદ કરતાં જણાવ્યું હતું કે આઝાદી પહેલાં ખેડૂતોના હક્કો માટે અહિંસક લડત ચલાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આઝાદી બાદ પણ અનેક પ્રકારના અન્યાય સામે ખેડૂતો અને સમાજના આગેવાનો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
તેમણે ખેડ સત્યાગ્રહના પ્રણેતાઓ તરીકે ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દેસાઈને યાદ કર્યા હતા. એક સમય એવો હતો જ્યારે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઘાસનાં મેદાનો હતાં, પરંતુ સંઘર્ષ અને જમીનના હક્કોની પ્રક્રિયા બાદ આજે આ જ વિસ્તારમાં ખેતરો લહેરાઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં ખેડૂતોને હજારો એકર જમીન મળવાના સંઘર્ષની પણ તેમણે વાત કરી હતી.
મંગળભાઈ પટેલે જણાવ્યું હતું કે કુદરતી આફતો સહિતના મુશ્કેલ સમયમાં પણ આ વિસ્તારના લોકો એકબીજાની મદદ માટે આગળ આવતા રહ્યા છે. ખેડૂત અને જમીન સાથેના સંબંધને માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક વારસો ગણાવી તેમણે નવી પેઢીને આ ઇતિહાસ સમજવાની અપીલ કરી હતી.
‘ધરતીનું ગીત’થી કાર્યક્રમ બન્યો ભાવનાત્મક
કાર્યક્રમ દરમિયાન ખેડ સત્યાગ્રહી મંગળભાઈ એલ. પટેલ અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ સાથે મળીને ‘ધરતીનું ગીત’ રજૂ કર્યું હતું. પ્રો. કુલિન પંડ્યાની રચનાને રજૂ કરતાં કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ભાવનાત્મક માહોલ સર્જાયો હતો.
ગીતની પંક્તિઓમાં ખેડૂતના પરિશ્રમ, જમીન પરના અધિકાર અને અન્યાય સામેના સંઘર્ષની ભાવના વ્યક્ત થાય છે :
ધરતીનું ગીત
હાંરે અમે ધરતીના ખેડૂત જાગ્યા કે, ખેડે તેની ભોંય થાશે..
હાંરે અમે જુગ જુગથી પામ્યા અન્યાય,
ન્યાય કેરાં રાજ થાશે…..હાંરે અમે
ભગવાન એ આ ભોંય બનાવી,
સૌને ખેડી ખાવા આપી,
તોયે કરમ કાળાં કરી
હાંરે પેલા જુલમીએ ઝુંટવી જમીન
કેમ એની પાસે રહેશે…..હાંરે અમે
જમીનદાર પાસે જમીન લઈશું,
સૌને સરખી વહેંચી દઈશું,
મહેનત કરીને પાક લણીશું,
હાંરે નવા ભારતના ખેતરો લહેરાય,
કોઈ નહીં ભૂખ્યો રહેશે…..હાંરે અમે
શિયાળાની ટાટ ખમીને,
ઉનાળાનો તાપ સહીને,
ચોમાસાની હેલી ઝીલીને,
હાંરે અમે પરસેવે પકવ્યાં છે ધન્ય,
કેમ બીજા ખાઈ જશે…..હાંરે અમે
ગીતમાં આગળ ખેડૂતના પરસેવા અને મહેનતથી ખેતરોમાં પાક લહેરાવવાની વાત સાથે જમીન પર મહેનત કરનારને જ તેનો હક્ક મળવો જોઈએ તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. શિયાળાની ઠંડી, ઉનાળાનો તાપ અને ચોમાસાની હેલી સહન કરી ખેડૂતો પરસેવાથી અનાજ પકવે છે, ત્યારે તેમના શ્રમનું યોગ્ય મૂલ્ય અને અધિકાર જળવાઈ રહે તેવો સંદેશ પણ ગીતમાં જોવા મળ્યો હતો.
ઉત્તમભાઈ પટેલના યોગદાનને યાદ કરાયું
સમસ્ત ધોડિયા સમાજના પ્રમુખ ચંપકલાલ એમ. વાઢવાએ ઉત્તમભાઈ પટેલના જીવન અને સમાજસેવા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ઉત્તમભાઈ પટેલના શિક્ષણથી લઈને સામાજિક અને રાજકીય ક્ષેત્ર સુધીના યોગદાનની ચર્ચા કરી હતી.
તેમણે ખેડ સત્યાગ્રહ સાથે જોડાયેલી વિવિધ ઘટનાઓની માહિતી આપતાં જણાવ્યું હતું કે સમાજના વિકાસ માટે શિક્ષણ, સંગઠન અને હક્કોની જાગૃતિ જરૂરી છે. ઉત્તમભાઈ પટેલે સમાજના હિત માટે કરેલા વિવિધ કાર્યોને યાદ કરી તેમના વિચારોને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આશ્રમશાળા પણ ખેડ સત્યાગ્રહની દેન : અરવિંદભાઈ પટેલ
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી ખેડ સત્યાગ્રહની રેલી જોતા આવ્યા છે. રોહિણા ખાતે આવેલી આશ્રમશાળા સહિતની શૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ તેમણે ખેડ સત્યાગ્રહની મહત્વપૂર્ણ દેન ગણાવી હતી.
તેમણે જણાવ્યું કે ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દેસાઈને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી શકાય જ્યારે તેમના વિચારો અને સમાજ માટેની કામગીરીની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે. નવી પેઢી ઐતિહાસિક સંઘર્ષને સમજે અને સમાજના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે માટે સતત પ્રયાસો કરવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.
નટુભાઈ પટેલનું સ્વાગત પ્રવચન
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન પારડી વિભાગ ખેડૂત પંચાયતના નટુભાઈ પટેલે કર્યું હતું. તેમણે ખેડ સત્યાગ્રહની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને રેલીના આયોજન અંગે માહિતી આપી હતી. ખેડૂત સમાજની એકતા જાળવી રાખવા તથા વર્તમાન સમયમાં ખેડૂતો સામે ઊભા થતા પ્રશ્નો અંગે સંગઠિત રીતે અવાજ ઉઠાવવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી.
વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવાઈ
કિસાન મુક્તિ દિવસની ઉજવણી દરમિયાન માત્ર ખેડૂતોના હક્કોની જ વાત કરવામાં આવી ન હતી, પરંતુ સામાજિક સુધારણા માટે પણ સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વ્યસનથી દૂર રહેવા તથા સમાજમાં વ્યસનમુક્તિનો સંદેશ ફેલાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. યુવાનોને નશાથી દૂર રાખવા અને શિક્ષણ તથા રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવા સૌએ સંકલ્પ લેવાની અપીલ કરવામાં આવી હતી.
આગેવાનોની ઉપસ્થિતિ
રોહિણા આશ્રમશાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ અધિક કલેક્ટર જે.ડી. પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, નાનાપોઢા તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન પટેલ, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ગાવઢા, કપરાડા પ્રભારી તથા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શૈલેષભાઈ પટેલ, કપરાડા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ કોંતી સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો તથા વિવિધ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પારડી વિભાગ ખેડૂત પંચાયતના ટ્રસ્ટી મંડળના નટુભાઈ એલ. પટેલ, ઈશ્વરભાઈ ડી. પટેલ, રવિન્દ્રભાઈ વી. પટેલ, જિતેશભાઈ કે. પટેલ, શૈલેશભાઈ પટેલ અને ગોવિંદભાઈ એમ. પટેલ સહિતના આગેવાનોએ કાર્યક્રમના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ સમગ્ર રેલી અને કાર્યક્રમ દ્વારા ઐતિહાસિક ખેડ સત્યાગ્રહની યાદને જીવંત રાખવાની સાથે ખેડૂતોના વર્તમાન પ્રશ્નો, જમીનના હક્કો, આધુનિક ખેતી, શિક્ષણ, સામાજિક જાગૃતિ અને વ્યસનમુક્તિ જેવા મુદ્દાઓને લોકો સમક્ષ મૂકવામાં આવ્યા હતા.
યોજાયેલી કિસાન રેલીમાં ખેડૂત એકતા અને હક્કોની લડતને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ સ્પષ્ટપણે આપવામાં આવ્યો હતો.