
પારડીમાં શિક્ષક દિનની શાનદાર ઉજવણી : 47 શિક્ષકો-આચાર્યોનું સન્માન, 100% પરિણામ આપનાર 38 વિષય શિક્ષકોને બિરદાવાયા

પારડીમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી : શ્રેષ્ઠ શિક્ષકો, આચાર્યો અને 100 ટકા પરિણામ અપાવનાર શિક્ષકોનું સન્માન
રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની 138મી જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પારડી તાલુકાના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારંભમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો અને આચાર્યોનું સન્માન કરાયું હતું.

કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના 4 અને તાલુકા કક્ષાના 5 શ્રેષ્ઠ શિક્ષકો ઉપરાંત તેમની શાળાના 9 આચાર્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં સતત 100 ટકા પરિણામ મેળવનાર 38 વિષય શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠા, મહેનત અને પરિણામલક્ષી કામગીરી કરનારા શિક્ષકોને સન્માન મળતાં શિક્ષણ જગતમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

શિક્ષક દિનની શુભેચ્છા પાઠવતાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતમાં રામાયણ અને મહાભારતના સમયથી ગુરુનું સ્થાન સર્વોચ્ચ રહ્યું છે. એકલવ્યએ દ્રોણાચાર્યનું પૂતળું બનાવી ધનુર્વિદ્યામાં નિપુણતા મેળવી હતી, જે ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને શિક્ષણના મહત્વનું ઉદાહરણ છે. આજે પણ સમાજમાં શિક્ષકનો દરજ્જો અત્યંત મહત્વનો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા શિક્ષકોની પડખે રહી છે. શિક્ષકોના અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને બાકી રહેલા પ્રશ્નો પણ ઉકેલવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. અંગ્રેજ શાસન દરમિયાન ગુરુકુલ જેવી પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાને નુકસાન થયું હતું, પરંતુ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન મૂલ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષણમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જે. પટેલે નવી શિક્ષણ નીતિમાં સ્કિલ બેઝ્ડ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, આજના સમયમાં કોઈ પણ કૌશલ્ય નાનું નથી. માત્ર ઉચ્ચ ડિગ્રી કરતાં કૌશલ્ય ધરાવતી વ્યક્તિ પણ સારી રોજગારી અને આવક મેળવી શકે છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં મળતી સુવિધાઓની કદર કરવાનું પણ શીખવવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, શિક્ષકો કર્મનિષ્ઠ હોય છે અને પોતાની જવાબદારી ચોકસાઈપૂર્વક નિભાવે છે. શિક્ષકો ઉપર સરકારનો વિશ્વાસ હોવાથી દેશની અનેક મહત્વપૂર્ણ કામગીરીમાં પણ શિક્ષકોની જવાબદારી લેવામાં આવે છે.

વલસાડ અને કપરાડાના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તથા જીતુભાઈ ચૌધરીએ પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને પોતાના જીવનનો અનુભવ રજૂ કરતાં જણાવ્યું કે, શરૂઆતમાં તેમને હરિયાણાની સ્થાનિક ભાષા સિવાય અંગ્રેજીનું ઓછું જ્ઞાન હતું. તેમના શિક્ષકે દરરોજ અંગ્રેજીના પાંચ નવા શબ્દો શીખવાની સલાહ આપી હતી. સતત પ્રેક્ટિસના પરિણામે એક વર્ષમાં તેઓ લગભગ દોઢ હજાર નવા અંગ્રેજી શબ્દો બોલતા શીખ્યા, જે તેમની કારકિર્દીમાં ખૂબ ઉપયોગી સાબિત થયા.
કલેક્ટરે શિક્ષકોને નોકરીને માત્ર નોકરી તરીકે નહીં પરંતુ મિશન તરીકે સ્વીકારી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે સતત પ્રયત્નો કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષકે વિદ્યાર્થીઓને પાયાનું જ્ઞાન આપવાની સાથે પોતાની સ્કિલમાં પણ સતત વધારો કરવો જોઈએ. એક શિક્ષકમાં સુધારો થાય તો તેના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે છે.
આ પ્રસંગે પારડી તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, પારડી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, પ્રાંત અધિકારી નીરવ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ પુનિત પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી ટંડેલે કર્યું હતું. આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શિક્ષક તારેશ સોની અને અવની પટેલે કર્યું હતું.
જિલ્લા કક્ષાના સન્માનિત શિક્ષકો
- રાકેશચંદ્ર આર. સુથાર – સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, મગોદ ડુંગરી, વલસાડ
- દીપાલી પી. ચુડાસમા – મોડલ સ્કૂલ, માલનપાડા, ધરમપુર
- જયેશકુમાર ટી. ટંડેલ – બલિઠા મુખ્ય શાળા, વાપી
- સંજયકુમાર બી. મકવાણા – બી.આર.સી. કો-ઓર્ડિનેટર, કપરાડા
તાલુકા કક્ષાના સન્માનિત શિક્ષકો
- કિન્નરી વી. દેસાઈ – સંસ્કાર વિદ્યા મંદિર, ખોખરા પ્રા. શાળા, વલસાડ
- બાલકૃષ્ણ ટી. ટંડેલ – નામધા પ્રા. શાળા, વાપી
- વિભૂતિબેન આર. પટેલ – ગુ. પ્રાથમિક શાળા, તલવાડા (પારસીપાડા), ઉમરગામ
- ગણેશભાઈ એલ. જાદવ – બાબરખડક પર. શાળા, કપરાડા
- ભવિકકુમાર બી. પટેલ – પ્રાથમિક શાળા, કપરાડા