News

નાનાપોઢામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની કાર્યશાળા યોજાઈ !

17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો યોજાશે, કાર્યકરોને જવાબદારીઓ સોંપાઈ

Advertisement

નાનાપોઢા તાલુકામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘25 વર્ષ સેવા અને સમર્પણ’ અંતર્ગત સેવા સંકલ્પ અભિયાનને વેગ આપવા માટે તાલુકા કક્ષાની કાર્યશાળા યોજાઈ હતી. નાનાપોઢા એ.પી.એમ.સી. માર્કેટ ખાતે જિલ્લા મહામંત્રી વિપુલભાઈ ભોયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કાર્યશાળામાં તાલુકાના ભાજપ સંગઠનના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યશાળામાં આગામી 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમોને ગામડાં સુધી પહોંચાડવા તેમજ વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આયોજન અને અમલીકરણની જવાબદારીઓ વિવિધ હોદ્દેદારો અને કાર્યકરોને સોંપવામાં આવી હતી.

આ પ્રસંગે નાનાપોઢા તાલુકાના પ્રભારી શૈલેશકુમાર આર. પટેલ, કપરાડા પ્રભારી સુરેશભાઈ પટેલ, કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ નિમેશભાઈ, તાલુકા ભાજપ મહામંત્રી મનોજભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન, ઉપપ્રમુખ તુષારભાઈ, જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન દક્ષાબેન, જિલ્લા પંચાયત સભ્ય અરવિંદભાઈ સહિત તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો, સંગઠનના હોદ્દેદારો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા મહામંત્રી વિપુલભાઈ ભોયાએ આગામી એક મહિના દરમિયાન યોજાનારા કાર્યક્રમોનું આયોજન રજૂ કર્યું હતું. તેમણે દરેક કાર્યક્રમને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે સંગઠનના કાર્યકરોને સક્રિય ભૂમિકા ભજવવા અને જનભાગીદારી વધારવા આહ્વાન કર્યું હતું. સેવા સંકલ્પ અભિયાનને માત્ર સંગઠન પૂરતું મર્યાદિત ન રાખી સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા પર ભાર મૂકાયો હતો.

તાલુકા પ્રભારી શૈલેશકુમાર આર. પટેલે પોતાના વક્તવ્યમાં સેવા સંકલ્પ અભિયાનના હેતુ અંગે જણાવ્યું હતું કે સમાજમાં સેવા, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, રક્તદાન, આરોગ્ય જાગૃતિ, વૃક્ષારોપણ અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણની સુરક્ષા કરવી અને દેશના વિકાસમાં પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપવું એ સાચી દેશસેવા છે.

તેમણે કાર્યકરોને ગામેગામ જઈને લોકોમાં સ્વચ્છતા, પર્યાવરણ અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા તેમજ જરૂરિયાતમંદ લોકો સુધી સેવાકીય પ્રવૃત્તિઓ પહોંચાડવા અપીલ કરી હતી. સેવા પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યશાળાના અંતે ઉપસ્થિત સૌએ સ્વચ્છતા, સેવા, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રહિતના કાર્યોમાં સક્રિય ભાગ લેવાનો સંકલ્પ લીધો હતો. આગામી તમામ કાર્યક્રમોને સફળ બનાવવા તથા જવાબદાર નાગરિક તરીકે દેશની પ્રગતિમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

કાર્યક્રમનું સંચાલન તાલુકા ભાજપના ઉપાધ્યક્ષ મંગુભાઈ ગાવિતે કર્યું હતું. કાર્યશાળાને કારણે નાનાપોઢા તાલુકામાં આગામી દિવસોમાં સેવા અને સામાજિક જાગૃતિને લગતી વિવિધ પ્રવૃત્તિઓને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *