
રૂા. ૧.૧૫ કરોડના ખર્ચે ધરમપુર ખાતે પુસ્તકાલયનું નિર્માણ થશેઃ
જિલ્લા પંચાયત વલસાડ અને તાલુકા પંચાયત ધરમપુર દ્વારા ૧૫ માં નાણાંપંચ અને જિલ્લા વિકાસ અધિકારીની ગ્રાન્ટમાંથી આ પુસ્તકાલય બનાવવામાં આવશે.
આ પુસ્તકાલયની જાળવણી અને સંચાલન માટે ગ્રંથાલય કચેરી ગાંધીનગર દ્વારા લાયબ્રેરીયનની નિમણૂંક કરાશેઃ
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ધરમપુર તાલુકાના પ્રજાજનોના વાંચનની સુવિધા માટે જિલ્લા પંચાયત વલસાડ અને તાલુકા પંચાયત ધરમપુર દ્વારા રૂા. ૧.૧૫ કરોડના ખર્ચે તાલુકા પંચાયત ધરમપુરની બાજુમાં પુસ્તકાલય કમ રીડીગ સેન્ટરનું નિર્માણ કરાશે.
વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ ધરમપુર ખાતે આ નિર્માણ થનારા પુસ્તકાલયની વિગતો આપતા જણાવ્યું કે, આ પુસ્તકાલય વલસાડ જિલ્લા પંચાયતની સ્ટેમ્પ ડયૂટીની રૂા. ૫૦ લાખની ગ્રાન્ટ, તાલુકા પંચાયત ધરમપુરની ૧૫ માં નાણાંપંચની રૂા. ૩૫ લાખ, રૂા. ૩૦ લાખ જિલ્લા વિકાસ અધિકારીની ગ્રાન્ટ મળી કુલ રૂા. ૧ કરોડ અને ૧૫ લાખના ખર્ચે તૈયાર કરાશે.
આ પુસ્તકાલય ગ્રાઉન્ડ પ્લસ પહેલો માળનું બનાવવામાં આવનાર છે. જેમાં ગ્રાઉન્ડ ફલોર પર એક વિશાળ રૂમ, એક પુસ્તકો માટેનો રૂમ, એક લાયબ્રેરીયન માટેની ઓફિસ, પીવાના પાણીની સુવિધા, અને સ્ત્રી અને પુરૂષો માટે અલગ અલગ વોશરૂમની સુવિધા ઊભી કરાશે. આ પુસ્તકાલયમાં રીન્યુએબલ એનર્જી માટે ૬ કે. વી. ના સોલાર રૂફ ટોપ, સી. સી. ટી. વી. કેમેરા અને ફાયર સેફટીની સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
બોક્ષ મેટરઃ
આ પુસ્તકાલયમાં વિવિધ પ્રકારના પુસ્તકો જેવા કે ધો. ૬ થી ૧૨ સુધી અભ્યાસ કરતા બાળકોને લગતા અને સ્પર્ધાત્મક સરકારી પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે વિવિધ પ્રકાશનોના પુસ્તકો, દૈનિક વર્તમાનપત્ર, માસિક મેગેઝીન, અને બાળકોથી લઇને સીનીયર સીટીઝનો માટે વિવિધ પ્રકાશનોના પુસ્તકો રાખવામાં આવશે. આ પુસ્તકાલયની જાળવણી અને સંચાલન માટે રાજય સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકના નિયામકશ્રી ગ્રથાલય કચેરી ગાંધીનગર દ્વારા ગ્રંથપાલ, જુનિયર કલાર્ક વગેરે કર્મચારીઓની નિમણૂંક કરવા માટે કાર્યવાહી હાથ ધરાશે.






