
By:Hardik Patel (રવિવાર વિશેષ)
સેમ માણેકશા 5 યુદ્ધ લડ્યા 7 ગોળીઓ વાગી છતાં ઊભા થયા.જેના પરથી ફિલ્મ સેમ બહાદુર બની એ સેમ મહાનાયક હતા. પ્રથમ ફાઈવસ્ટાર ફિલ્ડ માર્શલે ઇંદિરા ગાંધીને કહી દીધેલું કે તમે કહો તેમ યુદ્ધ લડીશું તો હાર થશે,મારા પર શ્રદ્ધા રાખો. હું જીત અપાવીશ
જે પેઢી પોતાના નાયકોને યાદ રાખે છે એ જ નવા નાયકો સર્જે છે. હમણાં રિલીઝ થયેલી ફિલ્મ સેમ બહાદુર જેના ઉપર બની છે તે સેમ માણેકશા ખરા અર્થમાં મહાનાયક છે.

1971ના યુદ્ધમાં પાકિસ્તાનને હરાવીને એક નવો દેશ બાંગ્લાદેશ બનાવવાનો સંપૂર્ણ શ્રેય ફક્ત ફિલ્ડ માર્શલ સેમ માણેકશાને જાય છે.

સેમ માણેકશાની 4 દાયકાની લશ્કરી કારકિર્દીમાં 5 યુદ્ધોનો સમાવેશ થાય છે. સેમ માણેકશા ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ હતા. તેમની સફર ખૂબ જ રસપ્રદ રહી છે. સેમ માણેકશા ભારતીય સેનાના પ્રથમ 5 સ્ટાર જનરલ અને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનાર પ્રથમ અધિકારી હતા. ભારતીય સેનાના ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ જનરલ હશે જેણે ક્યારેય રાષ્ટ્રીય સ્તરે જેટલી લોકપ્રિયતા હાંસલ કરી હોય એટલી સેમને મળી હતી.

1971ના યુદ્ધમાં ઇંદિરા ગાંધી ઈચ્છતાં હતાં કે તેઓ માર્ચમાં જ પાકિસ્તાન પર હુમલો કરે, પરંતુ સેમે તેમ કરવાની ના પાડી દીધી, કારણ કે ભારતીય સેના હુમલા માટે તૈયાર ન હતી. સેમ સ્પષ્ટવક્તા હતા,એ સમયે ઇંદિરા ગાંધી નારાજ થયેલાં. માણેકશાએ પૂછ્યું કે જો તમારે યુદ્ધ જીતવું હોય તો મને છ મહિનાનો સમય આપો. હું ખાતરી આપું છું કે જીત આપણી જ થશે. આખરે 3 ડિસેમ્બરે યુદ્ધ શરૂ થયું. સેમે પાકિસ્તાની સેનાને આત્મસમર્પણ કરવાનું કહ્યું, પરંતુ પાકિસ્તાન રાજી ન થયું. 14 ડિસેમ્બર, 1971ના રોજ ભારતીય સેનાએ ઢાકામાં પાકિસ્તાનના ગવર્નરના ઘર પર હુમલો કર્યો હતો. આ પછી 16 ડિસેમ્બરે પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું અને `બાંગ્લાદેશ’ બન્યું. આ યુદ્ધમાં પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ પણ આત્મસમર્પણ કર્યું હતું. સેમ માણેકશાએ પ્રથમ બર્મા અભિયાનમાં જાપાનીઓ વિરુદ્ધ અનેક કાર્યવાહીમાં ભાગ લીધો હતો. તેમની બહાદુરી અને નેતૃત્વ માટે તેમને મિલિટરી ક્રોસ (MC) એનાયત કરવામાં આવ્યો હતો.

સેમ માણેકશાએ તેમની સમગ્ર સૈન્ય કારકિર્દી દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમને નાની ઉંમરે યુદ્ધમાં ભાગ લેવો પડેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સેમના શરીરમાં 7 ગોળીઓ હતી. બધાએ તેના બચવાની આશા છોડી દીધી હતી, પરંતુ ડૉક્ટરોએ સમયસર તમામ ગોળીઓ કાઢી નાખી અને તેનો જીવ બચી ગયો. સેમ માણેકશાની પુત્રી માયા દારૂવાલા કહે છે કે સેમ ઘણી વાર કહેતા હતા કે લોકો એવું વિચારે છે કે જ્યારે આપણે દેશને જિતાડીએ છીએ ત્યારે તે ખૂબ જ ગર્વની વાત છે, પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક દુઃખ છુપાયેલું છે, કારણ કે લોકોનાં મૃત્યુ પણ થાય છે.

સેમ માટે સૌથી ગર્વની વાત એ ન હતી કે તેના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાન સામે જીત નોંધાવી. તેમના માટે સૌથી મોટી ક્ષણ એ હતી જ્યારે પાકિસ્તાની સૈનિકો જેમને યુદ્ધકેદી તરીકે લઈ જવામાં આવ્યા હતા તેમણે સ્વીકાર્યું હતું કે ભારતમાં તેમની સાથે ખૂબ સારું વર્તન કરવામાં આવે છે. વર્ષ 1947માં માણેકશા અને યાહ્યા ખાન દિલ્હીમાં આર્મી હેડક્વાર્ટરમાં તહેનાત હતા. યાહ્યા ખાનને માણેકશાની મોટરબાઈક પસંદ હતી. તે તેને ખરીદવા માંગતો હતો, પરંતુ સેમ તેને વેચવા તૈયાર ન હતો. વિભાજન પછી યાહ્યાએ પાકિસ્તાન જવાનું નક્કી કર્યું ત્યારે સેમ યાહ્યા ખાનને 1,000 રૂપિયાની કિંમતે મોટરબાઈક વેચવા સંમત થયો. યાહ્યા મોટરબાઈક લઈને પાકિસ્તાન ગયો અને ટૂંક સમયમાં પૈસા મોકલવાનું વચન આપ્યું. વર્ષો વીતી ગયાં, પણ સેમને તે ચેક ક્યારેય મળ્યો નહીં. ઘણાં વર્ષો પછી જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ થયું ત્યારે માણેકશા અને યાહ્યા ખાન પોતપોતાના દેશોના આર્મી ચીફ હતા. લડાઈ જીત્યા પછી સેમે મજાકમાં કહ્યું, `મેં 24 વર્ષ સુધી યાહ્યા ખાનના ચેકની રાહ જોઈ, પરંતુ તે ક્યારેય ન આવ્યો. છેવટે તેણે પોતાનો અડધો દેશ આપીને 1947માં લીધેલી લોન ચૂકવી છે.’ પાકિસ્તાન સાથેની લડાઈ બાદ સેમ માણેકશા કેટલાક સરહદી વિસ્તારોની અદલાબદલીની વાત કરવા પાકિસ્તાન પહોંચ્યા હતા. તે સમયે જનરલ ટિક્કા પાકિસ્તાનના આર્મી ચીફ હતા. ભારતીય કાશ્મીર ચોકી થકોચક પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ હતી, જેને તે છોડવા તૈયાર નહોતું.


જનરલ એસ કે. સિન્હા જણાવે છે કે ટિક્કા ખાન સેમ કરતાં 8 વર્ષ જુનિયર હતા અને અંગ્રેજીમાં તેમનો મહાવરો પણ બહુ હાસ્યાસ્પદ હતો, કારણ કે તેઓ સૂબેદારના પદથી શરૂ કરીને આ પદ સુધી પહોંચ્યા હતા. તેણે તૈયાર નિવેદન વાંચવાનું શરૂ કર્યું, `આનાં ત્રણ ઓલ્ટરનેટિવ છે.’ આના પર માણેકશાએ તરત જ તેમને અટકાવ્યા, `જે સ્ટાફ ઓફિસરનું બ્રિફ તમે વાંચી રહ્યા છો તેને અંગ્રેજી કેવી રીતે લખવું તે આવડતું નથી. ત્યાં હંમેશાં બે ઓલ્ટરનેટિવ હોય છે, ત્રણ નહીં. હા, બે કરતાં વધુ શક્યતાઓ હોઈ શકે છે.’ સેમની વાત સાંભળીને ટિક્કા એટલો ગભરાઈ ગયો કે થોડા સમય પછી તેણે થકોચકને ભારત પરત આપવા સંમતિ દર્શાવી દીધી.

સેમ માણેકશાના અનેક કિસ્સા બહુ યાદગાર છે.
ઝૂમ ઇન
હાર કર હાલાત સે,
ન હાર હોના ચાહિએ
કંટકો સે પથ ભરા,
સ્વીકાર હોના ચાહિએ
ઝૂમ આઉટ
સંઘર્ષ સે જીવન ભરા,
હમકો સિખાતા હૈ યહી,
નાકામ ગર હો કોશિશે,
પ્રયાસ હોના ચાહિએ






