અગેઈન હેપ્પી બર્થડે ટુ મી ! આઈ કેન એવ્રી થીંગ! બીકોઝ આઈ એમ સુપર વુમન!

On: September 26, 2024 4:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજે 26 સપ્ટેમ્બર! મારો જન્મ દિવસ. આપણી સંસ્કૃતિમાં જન્મ દિવસ ઉજવવાની બહુ રીત નથી, અને એમાં પણ કેક કાપીને તો નહીં જ! નાગર કુળમાં જન્મ થયો એટલે દિકરા દિકરીનો ભેદભાવ ક્યારેય નડ્યો નહીં, ઉલટું કુટુંબમાં દિકરીઓ ઓછી હતી એટલે વધુ લાડ પામ્યા. નાના હતાં ત્યારે ચાર ભાઈબહેન માંથી જેનો જન્મ દિવસ હોય એની ઈચ્છા મુજબ રસોઈ કે મિષ્ટાન બનતું! બસ પુરું! વધીને પપ્પા એક જોડ કપડાં અપાવે! પણ એથી વિશેષ કંઈ નહીં, અને છતાં કેટલુંય કર્યું હોય એવું લાગે. જોકે છોકરાંવ મોટા થયા અને એને એમ થાય કે મમ્મીએ આ રીતે જન્મ દિવસ નથી ઉજવ્યો એટલે કેક મોકલાવે, અહીં હોય તો ડેકોરેશન પણ કરે! પણ મૂળમાં પૂર્વની એટલે આપણી સંસ્કૃતિમાં જન્મ દિવસ એટલે જીંદગી માંથી એક વર્ષ ઓછું થયું! એનો ઉત્સવ નહોય! આયુષ્યની ગણતરી ભલે કેટલાં વર્ષ થયાં એની પર નીકળતી હોય! પણ જીંદગી તો એમાંથી કેટલું જીવ્યા એની પર હોય! એટલે આમાં કર્તવ્ય કર્મની બાદબાકી કે પછી મોજમજા એવો અર્થ ન કાઢતાં, જીવનમાં કોઈ લક્ષ્ય સેવ્યું! અથવા તો આપણો પૃથ્વી પર જન્મ શું કામ થયો? કારણકે દર જન્મ લેતી ચેતના ઈશ્વરની ઈચ્છાનું પરિણામ છે! તો આપણાં જન્મ પાછળ એની પણ કંઈક તો ઈચ્છા રહી જ હશે! પણ માનવી પહેલાં પોતાની ઈચ્છા પૂરી કરવામાં જીંદગીનાં 25 વર્ષ વીતાવે, પછીના 25 વર્ષ પરિવારની ઈચ્છા કે જવાબદારીમાં વીતાવે અને પછીના છોકરાંવને ઘરે છોકરાંવ જન્મી ગયા હોય તો દાદા દાદી કે નાના નાની થઈ એડજેસ્ટ થવામાં સમય વીતાવે છે! પોતે શું કામ જન્મ્યાં ?હરવા, ફરવા, જમવા, ઝઘડવા કે પછી કંઈક બીજું પણ કારણ છે??? આ પ્રશ્ન જીવનનાં અંત સુધી થતો નથી.

નામ ફાલ્ગુની વસાવડા છે, 1968ની સાલમાં તનસુખ ભાઈ અને શ્વેતુ બેનને ઘરે આસો નવરાત્રીમાં સાતમની રાત્રે બાર વાગ્યે એક નારી શક્તિનો જન્મ થયો, જે આગળ જતાં સમાજમાં સકારાત્મક શક્તિ કવચ બનાવશે એની એને પણ ખબર નહોતી, કારણ કે બાળપણ કિશોર વય બધું જ માતાપિતાના લાડમાં બહુ ઝડપથી પતી ગયું! અને માત્ર 20 વર્ષની ઉમરે લગ્ન થયાં,અને પ્રેમાળ પતિ સાથે ગૃહસ્થીમાં ડગ માંડી સંસારી બની. બહુ થોડા જ સમયમાં માતા પણ બની, એટલે બહુ સ્વાભાવિક રીતે જ ગગનમાં ઉડતાં પંખીને પાંજરે પુર્યુ હોય એવો કયારેક ભાવ થયો. કર્તવ્ય કર્મ પ્રત્યે ક્યારેય ઉદાસી કે નારાજગી રાખી નહીં. સૌની ઈચ્છાને માન આપવું એવા માતાપિતાના સંસ્કાર હતાં, એટલે આટલાં મોટા પરિવારમાં બધું મૌન રહી જોયે રાખ્યું, અને પૂર્ણ નિષ્ઠા તેમજ પ્રમાણિકતાથી સૌને અપનાવ્યા, હળીમળીને પ્રેમ કે લાગણીની નદી બની વહેવાનું પસંદ કર્યું. પણ જીવનમાં પોતાનું મુલ્ય શું ? અસ્તિત્વ એ પોતાની માટે શું કર્મ નિયત કર્યું હશે? માત્ર બાળકો ઉછેરવા, ઘર રસોડું સંભાળવું, બસ એટલું જ!! એવો કંઈક અભાવ કે અસંતોષ થતો, અને શું કામ એ પણ પકડાતું નહોતું! કારણ રુપિયા પૈસાની તંગી ન્હોતી, કે કોઈ મોજશોખ આડે આવતું ન્હોતું, બાળકો પણ દેખાવડાને અત્યંત બુદ્ધિશાળી, પતિ પણ મહાદેવ સમાન ભોળાં,અને પ્રેમ રસિક! બંને વડીલોની છત્રછાયા પણ હતી, એટલે આમ જુવો તો કંઈ જ ખૂટતું નહોતું! છતાં કંઈક કરવું પડશે આ જન્મ ફેરો સફળ બનાવવા. અને શું કરું? શું કરું? અસ્તિત્વ એ મારી માટે શું કોઈ વિશેષ કાર્ય નિયુક્ત કર્યું છે? આ બંને પ્રશ્નોના જવાબ કોઈ સંસારી તો મને આપી ન શકે, માટે હું સદગુરુ ચરણે ગઈ! સદગુરુ ભગવાન ગાયત્રીનાં પરમ ઉપાસક પંડિત શ્રીરામ શર્મા આચાર્યનાં ચીંધેલા માર્ગ પર સ્વયંની જ્યોતિ પ્રગટાવી અજવાળું પ્રાપ્ત કર્યું, આ ઉપરાંત પૂજ્ય બાપુનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થયો! એમની કથાઓ સાંભળવા મળી, ગિરનારની તળેટીમાં નરસિંહની ચેતના આત્મસાત કરી અને કૃષ્ણને એની નજરથી જોઈ એક ગોપી બની, તદ ઉપરાંત વિવિધ વિષયો પર લખવાનું થયું અને એટલે ગુગલ મહારાજ પણ ફળ્યા, અને એમાંથી આ શબ્દ શક્તિ સ્ત્રોત પ્રાપ્ત થયો, કે જે આટલાં ભયંકર કળિયુગમાં પણ મને જાગૃત રાખે છે, અને સત્યનાં પથ પર નિતી પૂર્વક ચલાવે છે. ધીરેધીરે એવું લાગ્યું કે આવી નાની જાગૃતિ ઘણાંના ઘરમાં પ્રસન્નતા લાવી શકે! ઘણાને સત્યનાં પથ પર ચાલવા પ્રોત્સાહિત કરી શકે! અને એમ 1992ની સાલથી ચાલતી સ્વયંની જાગૃતિ માટેની આ લેખની 1919/20 માં કોરોના સમયથી મુખર થઈ! આમ મારા જન્મનું મુખ્ય હેતુ કે કારણ મને આજથી 32 વર્ષ પહેલાં મળી ગયું હતું! એ છે જન જાગૃતિનું, યુગ પરિવર્તન કે યુગ નવ નિર્માણ માટે સદગુરુનાં આ અભિયાનનો હિસ્સો બનવા કદાચ એણે જ મારું વરણ કર્યું છે! અને એટલે જ આ સદ પ્રવૃત્તિ કેવલ સદગુરુ કૃપા હી કેવલમનાં બળે ચાલે છે.

આજે તો આપ સૌના અંતરના પ્રેમની વૃષ્ટિથી, કેટલો મોટો બૃહદ પરિવાર મળ્યો, કે જેમણે મારા પર હંમેશા આશીર્વાદ અને સ્નેહની વર્ષા કરી! પછી તો કેટલાય ન્યુઝ પેપરમાં સ્થાન મળ્યું છે. પ્રથમ ચાન્સ આપનાર નમસ્કાર ગુજરાતના તંત્રી શ્રી કલ્પેશભાઈ પટેલથી શરું થયેલી આ યાત્રા ગાંધીનગર ટુડે, સમય સૌનો, ગુજરાત મેઇલ, વલસાડ કેસરી, એકલવીર, પગદંડી, ગાંધીનગર મેટ્રો, ગાંધીનગર જન ફરિયાદ, લોકશાહીની કલમે, યુગાંતર, સૌરાષ્ટ્ર પ્રતિબિંબ ચેલેન્જર, વિકસતું ટંકાર, ચેનલ નાઈન નેટવર્ક, જનતા જોષ, અમદાવાદ કોમ્યુનિટી, સમય શક્તિ મનમંચ, જનશક્તિ, લુહાણા મેગેઝીન, એમ બધાની જરુરીયાત મુજબ બધા પ્રકારના લેખ,અને બાપુની રાજાથી એમની જૂની કથાનું સંકલન શરું કર્યું, બધી પ્રકારની વાર્તા, આ ઉપરાંત સાહિત્યને લગતાં 95 જેટલા ગ્રૃપમાં રોજ સવારે આ લેખ પોસ્ટ થાય છે, અને સદગુરુ કૃપાથી પ્રતિલિપિ ગુજરાતી એપ પર 10, 30000 ઉપર વાચકો છે.

અગેઈન હેપ્પી બર્થડે ટુ મી ! આઈ કેન એવ્રી થીંગ! બીકોઝ આઈ એમ સુપર વુમન! લગભગ સાસરે ગયેલી દરેક વહું માટે એનાં સાસરિયાં એમ જ વિચારે કે આ તો એણે જ કરવાનું હોય, અથવા કરવું જોઈએ! અને બસ આમ બધાંની અપેક્ષા પૂરી કરવામાં એ પછી વુમન માંથી સુપર વુમન બની જાય! ખેર છોડો..હેપ્પી બર્થડેમાં હેપ્પી શું કામ કહેવામાં આવે છે? હેપ્પી એટલે થવાનું છે કે ઈશ્વરે બનાવેલી આ સૃષ્ટિમાં હજી વધુ રહેવાની તક સાંપડી છે! આ સૃષ્ટિનું મહત્વ છે! આ માનવ શરીરનું મહત્વ છે! આ પરમ ચૈતન્ય શક્તિ એ પણ આપણી પાસે કંઈક અપેક્ષા રાખી હશે! કંઈક વિચાર્યું હશે! કે માનવ મારી બનાવેલી સૃષ્ટિનું સંવર્ધન કરશે! અન્ય જીવ પ્રત્યે માન સન્માન પ્રેમ અને લાગણીના સંબંધોથી ખૂબ સુંદર જીવન જીવશે, એકોએક સાથે મૈત્રીનો ભાવ રાખશે, સૌને મદદરૂપ થશે, અને તેની જીવનીથી જ આ સૃષ્ટિ સ્વર્ગ જેવી સુંદર બની જશે. પણ આપણે આ ગુઢ અર્થ સિવાયના બધા અર્થ કરીને આટલાં વર્ષો કાઢી નાંખ્યા! વર્તમાન સમાજનું ચિત્ર જોઈ બહુ દુઃખ થાય ! પણ જો અહમ, આગ્રહ, ઈર્ષા, નીંદા, દેખાદેખી અને વેરભાવ છૂટી શકે તો! સમાજમાં હજી પણ રામરાજ્યની આશા સદગુરુ ભગવાન ને દેખાય છે, અને એટલે એમણે આ અભિયાનમાં મને સામેલ કરી, જેની માટે જીવ ખરેખર ધન્યતા અનુભવે છે! ઘણીવાર વિચાર આવે કે સદગુરુની આટલી કૃપાનું કારણ શું? કારણકે આટલાં વર્ષથી ચાલતી આ લેખનીમાં લગભગ કોઈ વિષય એવો નહીં હોય, જે આ કલમ દ્ધારા લખાયું નથી! ચિંતનને અંતે જીવ એક નિષ્કર્ષ પર આવ્યો છે કે, બીજું ઘણું ન કરવાં જેવું કર્યું હશે! પણ ઈર્ષા, નીંદા, દેખાદેખી, કપટ, દ્વેષ, અને સ્વપ્નમાં પણ કોઈનું અશુભ વિચાર્યું નથી, કોઈ ને છેતર્યા નથી કોઈનો વિશ્વાસ ઘાત કર્યો નથી. ખોટું ખરાબ કરનાર બધાં સાથે મૈત્રીનો જ ભાવ ! બસ આ જ લાયકાત છે! અને એ જ રામરાજ્યની ધરોહર છે! જેની માટે બીજી કોઈ લાયકાતની જરૂર નથી. હવે તો બધાં સમજી જ ગયા હશો કે, પ્રતિભાવ કે પ્રસિદ્ધિ માટે આ લેખ નથી લખાતાં! બસ સદગુરુ કૃપાથી પ્રગટેલ દીપનું અજવાળું વધુ ને વધુ વ્યક્તિ સુધી પહોંચી શકે! એ માત્ર કારણ છે. તો આપણે સૌ ભેગા મળીને સદગુરુના યુગ નિર્માણનો ભાગ બનીએ અને જલ્દી થી જલ્દી રામરાજ્યની સ્થાપના કરી શકીએ, જય સીયારામ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!