
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રોહીયાળ જંગલ ગામે એક મહિલા મૃત્યુ પામેલા હાલતમાં મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના એક શંકાસ્પદ મૃત્યુ તરીકે નોંધાઈ હતી. જોકે, પોસ્ટમોર્ટમમાં મહિલાના ગળુ દબાવી અને માથાના ભાગે પત્થર મારી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો. વધુ તપાસમાં પોલીસને જાણ થઈ કે આ એક રેપ અને મર્ડરનો કેસ છે.

ઘટનાનો પર્દાફાશ
તા. 21 માર્ચ 2025ના રોજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ એક સ્ત્રીની લાશ મળી આવી. મૃતક તાઇબેન કનુભાઈ દોવાડ (ઉ.વ. 44) સડી ગયેલી હાલતમાં મળી આવી હતી. મરણનો ચોક્કસ કારણ જાણવા પોલીસે શંકા પરથી તપાસ હાથ ધરી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું કે મૃતકના ગળા દબાવવામાં આવ્યા હતા અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.
આ ઘટનાની ગંભીરતા જોતા, સુરત પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા અને વાપી ડીવાયએસપી બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ એક વિશેષ તપાસ ટીમ બનાવી દેવામાં આવી.
આરોપીનો પર્દાફાશ કેવી રીતે થયો?
પોલીસે મૃતકના પરિવારજનો, ગામના લોકો અને સંભવિત શંકાસ્પદ ઇસમોની પૂછપરછ હાથ ધરી. તપાસ દરમિયાન ભગવાન ઉર્ફે ભગુ કમળેભાઈ દોધાડ (ઉ.વ. 29) પર શંકા ઉતરી. પોલીસની સઘન પૂછપરછ દરમિયાન ભગુએ આખો ગુનો કબૂલી લીધો.
કેવી રીતે કરી હત્યા?
ભગુ અને તાઇબેન એકબીજાને ઓળખતા હતા. ઘટનાના દિવસે, ભગુએ તાઇબેનને એકલતાનો લાભ લઈને તેમના ઘરના આંગણામાં બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો. ત્યાર બાદ તે તાઇબેનને આરોગ્ય કેન્દ્રની પાછળ લઈ ગયો અને ફરીથી બળાત્કાર ગુજાર્યો. મહિલાએ બુમો પાડ્યા બાદ ભગુએ ગામમાં બદનામીના ડરથી તેનું ગળું દબાવી દીધું અને પથ્થર વડે માથામાં ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાસી ગયો.
ગામમાં ચકચાર મચાવતી ઘટના
આ દુષ્કર્મ અને હત્યાની ઘટના જાણ્યા બાદ સમગ્ર ગામમાં ભય અને રોષની લાગણી ફેલાઈ. મૃતક તાઇબેન, ભગુની કૌટુંબિક કાકી હોવાનું ખુલતા, આ ઘટના એ પરિવાર માટે પણ મોટી ચિંતાનો વિષય બની.
આરોપી વિરુદ્ધ ગુનો દાખલ
મૃતકના પતિ કનુભાઈ દોવાડની ફરીયાદના આધારે કપરાડા પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 64(2)(એમ), 66 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો.
અપરીધ ઈતિહાસ ધરાવતો આરોપી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ભગુ અગાઉ પણ ગંભીર ગુનામાં સંડોાયેલો હતો. 2011માં કપરાડા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ IPC કલમ 302 અને 201 હેઠળ કેસ નોંધાયો હતો.
પોલીસ ટીમની સફળતા
આ કેસમાં વલસાડ એલસીબી અને કપરાડા પોલીસ સ્ટેશનની ટીમે મહત્ત્વની ભૂમિકા ભજવી. પો.ઇન્સ. ઉત્સવ બારોટ અને પો.ઇન્સ. એસ.એલ. વસાવાની આગેવાની હેઠળ તપાસ હાથ ધરાઈ. પો.સ.ઇ. જે.જી. પરમાર, પો.સ.ઇ. એલ.એસ. પટેલ, એએસઆઈ અજય અમલભાઈ ચૌધરી અને અન્ય પોલીસકર્મીઓએ શંકાસ્પદ ઇસમોની સઘન પૂછપરછ કરીને ભગુની ધરપકડ કરી.
આરોપીની ધરપકડ પછી આગળ શું?
આરોપી ભગુની ધરપકડ બાદ, કપરાડા પોલીસે કોર્ટમાં રજુઆત કરી. ગુનાની ગંભીરતા જોતા, તેને કડક સજા મળે તે માટે રાજ્ય પોલીસ પણ સુનિશ્ચિત કરે તેવી શક્યતા છે.
આ ઘટનાએ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસની ઝડપી કાર્યવાહી અને વ્યૂહાત્મક તપાસને કારણે માત્ર કેટલાક કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી. કપરાડા પોલીસ અને વલસાડ એલ સી બી,એસ ઓ જી કાર્યક્ષમતા માટે પોલીસ તંત્રની પ્રશંસા કરવામાં આવી રહી છે.






