
મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે બસ અકસ્માત સર્જાયો હતો. યવતમાલથી પુણે જઈ રહેલી બસ પોલ સાથે અથડાઈ અને ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ. એને કારણે એમાં આગ લાગી ગઈ. બસમાં 33 લોકો સવાર હતા, જેમાં 25 લોકો દાઝી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

બસની બારીના કાચ તોડીને આઠ લોકોએ પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માત બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક પિંપલખુટા ગામ પાસે સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર થયો હતો. બુલઢાણાના એસપી સુનીલ કડાસેને જણાવ્યું હતું કે અકસ્માતમાં બસનો ડ્રાઈવર બચી ગયો છે. તેણે જણાવ્યું હતું કે ટાયર ફાટ્યા બાદ બસ પલટી ગઈ, જેના કારણે બસમાં આગ લાગી.
રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાતા બુમરાડ મચી ગઈ
પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલી લક્ઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, ત્યારે પિંપલખુટા ગામ પાસે આ અકસ્માત થયો હતો. મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાના આસપાસ તે પોલ સાથે અથડાઈને ડિવાઈડર સાથે અથડાતા તેમાં આગ લાગી હતી. પોલીસના જણાવ્યા મુજબ 7 મુસાફરો ગંભીર રીતે ઘાયલ છે, તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે મુસાફરો નાગપુર, વર્ધા અને યવતમાલના રહેવાસી હતા.
મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને 5-5 લાખની સહાયની જાહેરાત કરી
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુલઢાણા બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.5-5 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

(આ ફૂટેજ આગ ઓલવ્યા પછીના છે. બસ ખરાબ રીતે બળી ગઈ હતી.)
બસ ફાટક તરફ જમીન પર પડી હતી.

(મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા. મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે.)
બસનો દરવાજો નીચે આવી જતાં કોઈ બહાર નીકળી શક્યું ન હતું
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરે બસમાં સંતુલન ગુમાવી દીધું હતું. બસ પહેલા લોખંડના પોલ સાથે અથડાઈ હતી. આગ વચ્ચે બનેલા કોંક્રીટ ડિવાઈડર સાથે અથડાયા બાદ એ પલટી ગઈ હતી. બસ ડાબી તરફ વળી, જેના કારણે બસનો દરવાજો નીચે આવી ગયો. આવી સ્થિતિમાં લોકો પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. પોલીસે બસમાંથી 25 મૃતદેહને બહાર કાઢ્યા છે. ગંભીર રીતે દાઝી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે.
સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે બસ પલટી જવાને કારણે ડીઝલની ટાંકી ફાટી હતી, જેના કારણે રોડ પર ડીઝલ ફેલાઈ ગયું હતું, જેના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આગે આખી બસને લપેટમાં લીધી હતી. થોડા લોકો સિવાય બધા બળી ગયા.






