
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં દહાડે ચાલી રહેલા ભ્રષ્ટાચારનો ચિતાર
છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના અનેક આદિવાસી વિસ્તારોમાં ચમત્કારિક રીતે આવા નેતાઓ ઊભા થયા છે. કે જેમણે 2015માં સાદી સાયકલ પણ ન હતી અને આજે તેમની પાસે કરોડો રૂપિયાની મિલ્કત, બિલ્ડીંગો, મોંઘીદાટ ગાડીઓ અને શહેરોમાં પોષ વિસ્તારમાં ઘરો છે. એ પ્રશ્ન ઉઠે છે કે – આ આર્થિક ઉછાળો કોણ આપે છે? અને કેમ?

આજની પરિસ્થિતિમાં ગામડાઓના લોકોએ જેને સમાજસેવક સમજી મત આપ્યો, આજે એજ વ્યક્તિ લાખોની ગ્રાંટ પોતાના હિસાબે વાપરી રહ્યા છે. કોઈ જગ્યાએ રસ્તાની ગ્રાંટ આવી તો રસ્તો ધોરણ વિહોણો છે. શાળાની ગ્રાંટ આવી, પણ ત્યાં હજુ પણ છત ટપકે છે. પીવાના પાણીની યોજનાઓ કે હેલ્થ સેન્ટરની સગવડો માત્ર કાગળ પર જ રહે છે. અને આ બધું થઈ શકે છે કેમ કે રાજકારણના માથે બેઠેલા ઘણા પ્રતિનિધિઓ પોતાને “ગ્રાંટનો પાવર ધારી કોન્ટ્રાક્ટર” માને છે.
ભ્રષ્ટાચારની વ્યાખ્યા ગામડાં સુધી આવી ગઈ છે:
ભ્રષ્ટાચાર હવે કોઈ શહેરના બોર્ડરૂમ સુધી મર્યાદિત નથી રહ્યો. ગુજરાતના આદિવાસી વિસ્તારોના ગામોમાં પણ “દલાલી રાજકારણ” ઘૂસી ગયું છે. સરપંચ કે તલાટી સ્તરે યોજનાઓની માહિતી જાહેર કરવાનું બંધ થઈ ગયું છે. વિકાસના નામે અંદરખાને કમિશનખોરી ચાલી રહી છે. પાઈપલાઈન માટે આવેલ ગ્રાંટમાંથી 25% નો હિસ્સો કોઈ બીજાને જાય છે અને બાકીના પૈસા કાગળ પર ખર્ચાઈ જાય છે. હકીકતમાં તો ગામના લોકોની સ્થિતિ ત્યાંની ત્યાં જ છે – પાણી, શિક્ષણ, આરોગ્ય માટે લોકો આજેય દોડધામ કરે છે. કરોડો ના ખર્ચ પછી પણ પાણી માટે એક એક બૂંદ માટે ફાંફા મારે છે.
લોકો ને ગુમરાહ કરવાનો વ્યવસાય:
આદિવાસી સમાજના કેટલાય નેતાઓ પોતાને “આદિવાસીના મસીહા” તરીકે રજૂ કરે છે. તેઓ ગાંધી કે ભીમરાવ આંબેડકરના નામે લોકોના ભાવનાને ટચ કરે છે, પરંતુ વાસ્તવમાં તેમની ચિંતા ન સમાજની છે, ન યુવાઓના ભવિષ્યની. તેઓ પોતાના રાજકીય અને આર્થિક ફાયદા માટે રાજકીય પાર્ટી ગૃપ બનાવે છે, કાર્યક્રમો કરે છે અને જ્યારે સરકાર તરફથી કોઈ યોજના આવે, ત્યારે ગ્રાંટ મેળવવાનું તેમનું મુખ્ય લક્ષ્ય હોય છે.
ફક્ત સડકો નહીં, ટેન્ડરથી લઈને પેપર સુધી ભ્રષ્ટાચાર:
ગામોમાં બાંધકામની યોજનાઓ હોય કે આરોગ્ય કેન્દ્ર માટે આવતી સામગ્રી – દરેક જગ્યાએ ટેન્ડરથી લઈને બિલ ભરવા સુધીમાં મોટી ગેરરીતિઓ થાય છે. છાતીમાં હાથ રાખીને વિચારીએ કે – કેટલાય લોકોને તો ગત 10 વર્ષમાં પણ ગામના શાળામાં નવું પંખો કે નવો બલ્બ પણ લગાવેલો નથી જોતા.
સતત ગ્રાંટ આવે છે, પરંતુ તેનો ઉપયોગ ક્યાં થાય છે? ગામના લોકો પાસે તે પ્રશ્નનો જવાબ નથી, કારણ કે જવાબદારો પોતાની બુધ્ધિ પાસે છે. અને જો કોઇ પ્રશ્ન કરે તો “એ આપણા વિસ્તારમાં રાજકારણ કરે છે”
શિક્ષણ અને રોજગાર : બસ વોટ લેવા એક નાટક:
યુવાનો માટે રોજગાર કે તાલીમ યોજના માત્ર ચૂંટણી સમયે જાહેર થાય છે. જેમાં ફોર્મ ભરાવાય, કામનું વચન આપાય, ફોટા આવે અને પછી બધું ભૂલાઈ જાય. જે લોકો ગ્રાંટમાંથી આ યોજનાઓ માટે લાખો કરોડો રૂપિયા ખાતા હોય છે, એ કોઈને સીધા રોજગારી આપતા નથી. ફક્ત “ટ્રેનિંગ”ના નામે બાળકોને 3 દિવસ બોલાવાય છે અને પછી તબીબ કે ઓફિસરો દ્વારા “પ્રમાણપત્ર વિતરણ” થઈ જાય છે – પણ રોજગાર ક્યાં છે? શું એ યુવાઓને પણ પુછવામાં આવ્યું કે તેમના જીવનમાં શું બદલાવ આવ્યો?
ભવિષ્ય માટે શું કરીશું?:
ગામના લોકો માટે હવે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. અમે કયા નેતાઓને મત આપીએ છીએ? શું તેમણે ખરેખર વિકાસ કર્યો છે કે ફક્ત પોતાની સંપત્તિ વધારી છે?
મોટા ભાગે સરપંચો, તલાટી, MLA, જિલ્લા પંચાયતના સભ્યો પોતાની ગ્રાંટમાંથી જ પોતાનું ભવિષ્ય ગોઠવે છે – લોકોનો ભવિષ્ય બરબાદ થાય તો ચાલે પણ પોતાનું ઘર સાઇડમાં સજજ રહે એવું કામ કરે છે.
આવતી તમામ ચૂંટણીમાં 3 વસ્તુઓ જરુર પુછો:
- 1. તમે છેલ્લાં પાંચ વર્ષમાં કઈ યોજના ગામમાં અમલમાં મૂકી?
- 2. જે યોજના આવી તેની હિસાબી વિગતો જાહેર કરો.
- 3. તમને મળેલી ગ્રાંટ ક્યાં ઉપયોગમાં લાગી અને તેનો સાર્વજનિક ઔડિટ કેમ નથી?
- પત્રકારોને, નાગરિકોને અને સમાજના સભ્યોને આગ્રહ:
આપણે સૌએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઊભો કરવો પડશે. કોણે કેટલો ઉપયોગ કર્યો તેની RTI ભરો. વિકાસના કામોની ગણતરી કરો. માત્ર સરપંચ કે MLA સુધી નહિ – જિલ્લા કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી સુધી કાર્યવાહી માટે દબાણ કરો.
વિસ્તારોની આર્થિક પછાતતા માટે કાયમ સરકારને દોષ આપવો પૂરતો નથી. હવે પોતાના પ્રદેશના પ્રતિનિધિઓનું પણ ખુલ્લા મેદાનમાં વિશ્લેષણ જરૂરી છે. આજની તારીખે જો કોઈ મજૂરી કરતો વ્યક્તિ ઈનોવા ,સ્કોર્પિયો લઈ શકે, તો એના ચેક કરો.
સમજદારીથી મત આપો, જનતાના પૈસાથી બનાવેલા ભ્રષ્ટ મસીહાઓને ઓળખો અને એક નવી શરુઆત કરો – જ્યાં સરકારી ગ્રાંટ વિકાસમાં લાગે, ન કે વ્યકિતગત પ્રોપર્ટી બનાવવા માટે.
( સમભાવ સંદેશ દ્વારા આ લેખ સામાજિક જાગૃતિ માટે લખાયો છે. કોઈ વિશિષ્ટ વ્યક્તિ અથવા પક્ષને નિશાન બનાવવાનો ઉદ્દેશ નથી.)






