News

રાતા ખાડી સ્મશાનભૂમિ ખાતે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના નેતૃત્વમાં શ્રમદાન

સેવા પખવાડિયા અંતર્ગત સ્મશાનભૂમિ પરિસરની સફાઈ કરી સ્વચ્છતા અને પર્યાવરણ જતનનો સંદેશ અપાયો

Advertisement

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે નાનાપોંઢા તાલુકાના પંડોર ગામની રાતા ખાડી ખાતે આવેલી સામુહિક સ્મશાનભૂમિમાં વિશેષ શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, પ્રજાપ્રતિનિધિઓ, અધિકારીઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા સેવા પખવાડિયા અંતર્ગત સ્મશાનભૂમિ પરિસરમાં સફાઈ કરવામાં આવી હતી. પરિસરમાં ઉગી નીકળેલા ઘાસ-ઝાંખરા, કચરો સહિતની ગંદકી દૂર કરી સ્થળને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું. સાથે જ પરિસરના સુશોભન માટે પણ કામગીરી કરવામાં આવી હતી. શ્રમદાન દ્વારા જાહેર અને સામાજિક સ્થળોની સ્વચ્છતા જાળવવા તેમજ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય મિતેષભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ પટેલ, નાનાપોંઢા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન પટેલ, તાલુકા પંચાયત દંડક વિજય પટેલ તેમજ તાલુકા પંચાયત સદસ્ય ભદ્રેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત સ્થાનિક સરપંચ, તાલુકા વિકાસ અધિકારી (TDO) સહિતના અધિકારીઓ અને ગ્રામજનોએ પણ શ્રમદાનમાં જોડાઈ સ્મશાનભૂમિ પરિસરની સફાઈમાં સહભાગી બન્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ સ્વચ્છતા જાળવવા તથા જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા ગ્રામજનોને અપીલ કરી હતી.

અંતે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત ઉપસ્થિત અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. શ્રમદાન કાર્યક્રમને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *